તમારી પ્રોડક્ટ્સનું કિંમત નિર્ધારણ

જ્યારે તમે સપ્લાયર્સ પાસેથી તમારી પ્રોડક્ટ્સ તમારા Shopify સ્ટોરમાં ઍડ કરો છો, ત્યારે તમારે તમારી પ્રોડક્ટ્સ માટે તમારી પોતાની કિંમતો સેટ કરવાની જરૂર રહે છે. આ પ્રોડક્ટ્સના વેચાણમાંથી નફો મેળવવા માટે, તમારે એવી કિંમત પસંદ કરવાની જરૂર છે કે જે તમારા સપ્લાયર તમારી પાસેથી જે ચાર્જ લે છે તેના કરતાં વધુ હોય.

તમારા સપ્લાયર તમારી પાસેથી જે કિંમત ચાર્જ લે છે તેને પ્રોડક્ટનો ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સપ્લાયર સોફા પિલો માટે તમારી પાસેથી $10 નો ચાર્જ લે છે, તો તે સોફા પિલોનો પ્રોડક્ટ ખર્ચ $10 છે. તમારો નફો એ પ્રોડક્ટનો ખર્ચ અને તમે તમારા ગ્રાહકો પાસેથી જે કિંમતનો ચાર્જ લો છો તેની વચ્ચેનો તફાવત છે

તમારી પ્રોડક્ટ્સની કિંમત નિર્ધારણ માટેની વ્યૂહરચના

તમારી પ્રોડક્ટ્સની કિંમત નિર્ધારિત કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લો:

  • તમે પ્રદાન કરો છો તે વધારાનું મૂલ્ય - વ્યવસાય બનાવવામાં સમય, પ્રયત્ન અને પૈસા લાગે છે. તમે બનાવો છો તે કોઈપણ સામગ્રી, તમે શોધો છો તે પ્રોડક્ટ્સના અનોખા કૉમ્બિનેશન અથવા તમે ઑફર કરો છો તે વધારાનો ગ્રાહક સપોર્ટ આ બધું તમારી પ્રોડક્ટ્સના મૂલ્યમાં વધારો કરી શકે છે. તમે રોકાણ કરો છો તે સંસાધનો અને તમે તમારા ગ્રાહકોને પ્રદાન કરો છો તે કોઈપણ વધારાનું મૂલ્ય તમારી પ્રોડક્ટ્સની કિંમત નિર્ધારણમાં જોવા મળવું જોઈએ.

  • અન્ય ખર્ચાઓ અથવા વ્યવસાયનો ખર્ચ, જેમ કે માર્કેટિંગ ખર્ચ, તમારું Shopify સબ્સ્ક્રિપ્શન અને ટ્રાન્ઝેક્શન ફી - તમારી પ્રોડક્ટ્સ માટે કિંમતો સેટ કરતી વખતે આ ખર્ચાઓને ધ્યાનમાં લો. આ વ્યવસાયનો આવશ્યક ખર્ચ છે, તેથી એ મહત્ત્વપૂર્ણ છે કે તમારી કિંમત ઓછામાં ઓછા આ ખર્ચાઓને આવરી લે.

  • સમાન પ્રોડક્ટ્સ માટે હરીફોની કિંમતો - સમાન પ્રોડક્ટ્સ વેચતા સ્ટોર્સને જોવાથી તમને તમે જે પ્રોડક્ટ્સ વેચી રહ્યાં છો તેની સરેરાશ કિંમત નક્કી કરવામાં મદદ મળી શકે છે.

ઉદાહરણ: પ્રોડક્ટ લાઇન માટે કિંમતો સેટ કરવી

તાનિયા એક પ્રોફેશનલ ડ્રમર છે જે શિખાઉ ડ્રમર માટે વિડિઓ ટ્યુટોરિયલ બનાવે છે. તેના વિડિઓઝથી આવતા ઑનલાઇન ટ્રાફિકમાંથી તે પૈસા કમાઈ શકે છે કે નહીં તે જોવા માટે તે તેની વેબસાઇટ પર ડ્રમસ્ટિક્સ વેચવાનું પરીક્ષણ પણ કરવા માગે છે. તેને ત્રણ પ્રકારની ડ્રમસ્ટિક્સ મળે છે જે શિખાઉ ડ્રમર માટે સારી હોય છે. તે એક મહિના માટે તેના ડ્રમસ્ટિક વ્યવસાયનું પરીક્ષણ કરવાનું નક્કી કરે છે.

તેની પાસે ધ્યાનમાં લેવા માટે નીચેની માહિતી છે:

  • તે ત્રણ પ્રકારની ડ્રમસ્ટિક્સ વેચવાનું આયોજન કરે છે: હિકરી, મેપલ અને ઑક. તેને આના માટે અનુક્રમે જોડી દીઠ $3.50, $4 અને $4.50 નો ખર્ચ થાય છે.
  • તે મહિના માટે ઓછામાં ઓછા $200 નો કુલ નફો ઇચ્છે છે.
  • તે ડ્રમસ્ટિક્સની 50 જોડી વેચવાની અપેક્ષા રાખે છે.
  • શિખાઉ ડ્રમર્સમાં હિકરી ડ્રમસ્ટિક્સ અન્ય પ્રકારો કરતાં વધુ લોકપ્રિય છે.
  • તે માર્કેટિંગ જાહેરાતો પર $50 ખર્ચવાની યોજના ધરાવે છે અને તેની પાસે એક માર્કેટિંગ ઍપ છે જેનો ખર્ચ દર મહિને $5 છે.
  • મહિના માટે તેનો Shopify પ્લાન $29 નો છે.
  • તેનો સપ્લાયર મફત શિપિંગ પ્રદાન કરે છે.

ખર્ચનું બ્રેકડાઉન

તાનિયાને તેના વેચાણને ધ્યાનમાં લીધા વિના દર મહિને ખર્ચ થાય છે. તે દરેક વખતે વેચાણ કરે ત્યારે પણ તેને ખર્ચ થાય છે.

મહિના માટે તેનો નિશ્ચિત ખર્ચ નીચે મુજબ છે:

  • Shopify સબ્સ્ક્રિપ્શન - $29
  • માર્કેટિંગ - $50
  • માર્કેટિંગ ઍપ - $5

દર મહિને તેનો કુલ નિશ્ચિત ખર્ચ $84 છે.

દર વખતે જ્યારે તે વેચાણ કરે છે, ત્યારે બીજો ખર્ચ થાય છે જે ઑર્ડર કરેલી પ્રોડક્ટના આધારે બદલાય છે. તેના 50 ઑર્ડરમાંથી, તાનિયા અપેક્ષા રાખે છે કે 25 હિકરી ડ્રમસ્ટિક્સની જોડી હશે, 20 મેપલ હશે, અને 5 ઓક હશે.

મહિના માટે તેનો અપેક્ષિત ચલિત ખર્ચ નીચે મુજબ છે:

  • $3.50 પ્રતિ જોડીના દરે હિકરી ડ્રમસ્ટિક્સની 25 જોડી - $87.50
  • $4.00 પ્રતિ જોડીના દરે મેપલ ડ્રમસ્ટિક્સની 20 જોડી - $80.00
  • $4.50 પ્રતિ જોડીના દરે ઓક ડ્રમસ્ટિક્સની 5 જોડી - $22.50

આનાથી તેનો કુલ ચલિત ખર્ચ $190 થાય છે.

$84 ના નિશ્ચિત ખર્ચ સાથે સંયોજિત કરીને, તેને $274 નો કુલ ખર્ચ થવાની અપેક્ષા છે.

નફાનું બ્રેકડાઉન

કારણ કે તાનિયા આ મહિને $200 કમાવા માંગે છે, અને મહિના માટે તેને $274 ના કુલ ખર્ચની અપેક્ષા છે, તેથી તેણે તેના લક્ષ્યો હાંસલ કરવા માટે આ મહિને $474 કમાવવાની જરૂર છે. તાનિયા 50 વેચાણની અપેક્ષા રાખે છે, જેનો અર્થ એ છે કે તેના $474 ના લક્ષ્ય સુધી પહોંચવા માટે તેણે સરેરાશ $9.48 માં તેની ડ્રમસ્ટિક્સ વેચવાની જરૂર છે.

તાનિયા સ્પર્ધાત્મક રહેવા માટે તેની હિકરી ડ્રમસ્ટિક્સ સૌથી સસ્તી હોવા જોઈએ એમ ઇચ્છે છે. તે તેને $7 માં વેચવા માંગે છે. આનો અર્થ એ છે કે ડ્રમસ્ટિક દીઠ બાકીના $2.48 ને મેપલ અને ઓક ડ્રમસ્ટિક્સમાં ઉમેરવાની જરૂર છે.

જો તે તેની હિકરી ડ્રમસ્ટિક્સ $7 માં વેચે છે અને તેમાંથી 25 વેચે છે, તો તે તેના $474 ના લક્ષ્યમાંથી $175 કમાય છે અને તેને વધુ માત્ર $299 ની જરૂર છે. બાકીના 25 ઑર્ડરમાંથી $299 કમાવવા માટે, મેપલ અને ઓક ડ્રમસ્ટિક્સની કિંમત $11.96 રાખવાની જરૂર છે.

માર્કેટિંગની વિચારણાઓ

તાનિયાની માર્કેટિંગ ઝુંબેશનો એક ભાગ એ 5 લોકોને $5 માં તેની હિકરી ડ્રમસ્ટિક્સ ઑફર કરવાનો છે જેઓ તેને પ્રથમ ખરીદે છે. તેની વર્તમાન કિંમત નિર્ધારણ અને નફાના આધારે, તેનાથી તેનો નફો $10 ઘટશે. તેમ છતાં તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે, તાનિયાને બાકીના ઑર્ડરમાંથી તે $10 રિકવર કરવાની જરૂર છે, પરંતુ તે હિકરી ડ્રમસ્ટિક્સની કિંમત વધારવા માંગતી નથી.

તાનિયાને બાકીની ડ્રમસ્ટિક્સના તેના 25 ઑર્ડર પર વધારાના $10 કમાવવાની જરૂર છે, જેનાથી ઑર્ડર દીઠ 40 સેન્ટનો વધારો થશે અને કિંમત $12.36 થશે.

અંતિમ કિંમતો

દરેક બાબત ધ્યાનમાં લીધા પછી, તાનિયા તેની પ્રોડક્ટની કિંમત નીચે પ્રમાણે નક્કી કરે છે:

  • પ્રથમ 5 હિકરી ડ્રમસ્ટિક જોડી $5 ના દરે
  • બાકીની 20 હિકરી ડ્રમસ્ટિક જોડી $7 ના દરે
  • 20 મેપલ ડ્રમસ્ટિક જોડી $12.36 ના દરે
  • 5 ઓક ડ્રમસ્ટિક જોડી $12.36 ના દરે

તાનિયા જાણે છે કે આ બધું તેના પોતાના અંદાજ પર આધારિત છે. મહિનો પૂરો થયા પછી, પ્રથમ મહિનામાં તેના સ્ટોરના વેચાણના આધારે આવતા મહિના માટે શું યોગ્ય છે તે જોવા માટે તેને સંભવતઃ તેની કિંમતો ફરીથી તપાસવાની જરૂર પડશે.

તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડ ફીનો હિસાબ

તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફી અને ક્રેડિટ કાર્ડ ફી અન્ય ચલિત ખર્ચ છે જેને ધ્યાનમાં લઈ શકાય છે. જો તમે આ ફીનો સમાવેશ કરવા માંગતા હોવ તો તમારી કિંમતો શું હોવી જોઈએ તે નિર્ધારિત કરવાની પ્રક્રિયામાં થોડું ગણિત સામેલ છે.

સામાન્ય રીતે, જો ચોક્કસ નફો મેળવવાની જરૂર હોય તો જ વ્યવસાયો આ ફીના હિસાબ માટે કિંમતમાં વધારો કરે છે અને મોટાભાગના વ્યવસાયો તેનો સમાવેશ કરતા નથી. જોકે, જો તમારું નફાનું માર્જિન ખૂબ ઓછું હોય, તો તેઓ એવો ખર્ચ છે જેના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ.

આ ફી શામેલ હોય તેવી કિંમતો નક્કી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરો: x - z(x) - b = y.

  • x એ કિંમત છે જે તમને અંતે મળે છે.
  • z એ દશાંશ તરીકે તમારી સંયુક્ત ટકાવારી ફી છે, તેથી 2.9% ને 0.029 તરીકે લખવામાં આવશે.
  • b એ તમારી ફીનો સંયુક્ત નિશ્ચિત ભાગ છે, તેથી 2.9% + 30 સેન્ટના દર માટે, તમે 0.3 લખશો.
  • y એ પ્રારંભિક કિંમત છે જે તમે તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફીનો હિસાબ કર્યા વિના તમારા ખર્ચને આવરી લેવા માટે ગણો છો.

ઉદાહરણ તરીકે, ધારો કે તમે એવી ગણતરી કરો છો કે $10 ની કિંમત તમારા ખર્ચ અને નફાની અપેક્ષાઓને આવરી લેશે. જો તમારી પાસે 2.9% + 30 સેન્ટની તૃતીય-પક્ષની ટ્રાન્ઝેક્શન ફી છે, તો તમારું સૂત્ર x - 0.029x - 0.3 = 10 હશે, જેના પરિણામે $10.61 કિંમત મળે છે.

પગલાં:

  1. તમારા સમીકરણમાં ચલ ભરો: x - 0.029x - 0.3 = 10
  2. જો તમારી પાસે b ચલ માટેનું મૂલ્ય છે, તો તેને બંને બાજુએ ઉમેરો: x - 0.029x - 0.3 + 0.3 = 10 + 0.3
  3. કોઈપણ સરવાળાને ઉકેલો: x - 0.029x = 10.3
  4. સમીકરણની ડાબી બાજુએ, દરેક પદમાંથી x ને બહાર કાઢો: x(1 - 0.029) = 10.3
  5. કૌંસમાં બાદબાકીને ઉકેલો: 0.971x = 10.3
  6. x નો જેની સાથે ગુણાકાર થઈ રહ્યો છે તેના વડે બંને બાજુને ભાગો: 0.971x / 0.971 = 10.3 / 0.971
  7. ભાગાકાર ઉકેલો: x = 10.61

આ ગણતરીના આધારે, તમારે આવકમાં $10 મેળવવા માટે ક્રેડિટ કાર્ડ ફી ઑફસેટ કરવા $10.61 ચાર્જ કરવાની જરૂર છે.