પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ લેવા
તમારા સ્ટોર પર ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ ફોટોગ્રાફ્સનો ઉપયોગ તમારા ગ્રાહકોને દર્શાવે છે કે જો તેઓ તમારી પ્રોડક્ટ્સ ખરીદશે તો તેમને શું મળશે. સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ફોટોગ્રાફી સાથે તમારો ઑનલાઇન સ્ટોર વધુ પ્રોફેશનલ દેખાય છે અને તે તમારી બ્રાંડમાં ગ્રાહકનો વિશ્વાસ વધારી શકે છે.
જો તમે ઘરે સારી ગુણવત્તાવાળા ફોટા લેવા માંગતા હો, તો એવા કેટલાક ટૂલ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો.
ફોટોગ્રાફીની વ્યાખ્યાઓ
- એપર્ચર - એપર્ચર કેમેરા લેન્સમાં એક છિદ્ર છે જેમાંથી પ્રકાશ કેમેરામાં પ્રવેશવા પસાર થાય છે. સેન્સર અથવા ફિલ્મ સુધી કેટલો પ્રકાશ પહોંચે તેને નિયંત્રિત કરવા માટે તેના કદમાં ફેરફાર કરી શકાય છે. એપર્ચરનો વ્યાસ કે જેને f-સ્ટોપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક્સપોઝર અને ડેપ્થ ઑફ ફીલ્ડને અસર કરે છે.
- એપર્ચર પ્રાયોરિટી - એપર્ચર પ્રાયોરિટી એ કૅમેરાનો એવો મોડ છે જેમાં તમે મેન્યુઅલી તમારું એપર્ચર સેટ કરો છો અને કૅમેરા ઑટોમૅટિક રીતે શટરની સ્પીડ પસંદ કરે છે.
- ડેપ્થ ઑફ ફીલ્ડ - ડેપ્થ ઑફ ફીલ્ડ એ શાર્પ ફોકસનો વિસ્તાર વ્યાખ્યાયિત કરે છે. નીચો f-સ્ટોપ વધુ છીછરું (shallow) ડેપ્થ ઑફ ફીલ્ડ અથવા ફોકસ થયેલો વિસ્તાર પેદા કરે છે.
- એક્સપોઝર - કૅમેરા એક્સપોઝર એ પ્રકાશની એકંદર માત્રા છે જે ફોટો લેતી વખતે ફિલ્મ અથવા કૅમેરાના સેન્સર સુધી પહોંચે છે. તે ફોટોગ્રાફની એકંદર બ્રાઇટનેસ (તેજસ્વીતા) અથવા ડાર્કનેસને નક્કી કરે છે.
- F-સ્ટોપ - F-સ્ટોપ એ લેન્સની ફોકલ લંબાઈ છે. F-સ્ટોપ નક્કી કરે છે કે તમે કૅમેરાના એપર્ચર ઓપનિંગ મારફતે સેન્સર પર કેટલો પ્રકાશ પડવા દેશો.
- ISO - ISO સેન્સરની સંવેદનશીલતાને નિયંત્રિત કરે છે. ISO જેટલો ઊંચો હોય તેટલો નોઇઝ વધુ હોય છે. મોટાભાગે તમે તમારા કૅમેરાને ન્યૂનતમ ISO 100 પર સેટ કરી શકો છો, તેથી જો શક્ય હોય તો તેને તેના પર જ સેટ કરો.
- શટર સ્પીડ - શટર સ્પીડ એ સમયનો ગાળો છે જ્યાં સુધી લેન્સ ખુલ્લો રહે છે અને ફોટો લેતી વખતે કૅમેરાનું સેન્સર પ્રકાશના સંપર્કમાં આવે છે. ધીમી શટર સ્પીડ ગતિમાં રહેલી વસ્તુઓના બ્લરને કૅપ્ચર કરે છે. હાઇ શટર સ્પીડ તમને સમયના એક મિલિસેકન્ડને સ્થિર કરવાની મંજૂરી આપે છે.
- વ્હાઇટ બૅલેન્સ - વ્હાઇટ બૅલેન્સ એ દૃશ્યને પ્રકાશિત કરતા પ્રકાશના તાપમાનને વળતર આપવા માટે છબીમાં કરવામાં આવતું ઍડજસ્ટમેન્ટ છે. કૅમેરા સૌથી સામાન્ય પ્રકારના ઇલ્યુમિનેશનના આધારે થોડા પ્રી-સેટ મૂલ્યો ઑફર કરે છે, પરંતુ તેને શૉટ દરમિયાન અથવા શૉટ લીધા પછી મેન્યુઅલી પણ સેટ કરી શકાય છે.
પ્રોડક્ટ ફોટોગ્રાફી માટેના ટૂલ
સારો ફોટોગ્રાફ એ પસંદગીઓની શ્રેણીથી બનેલો હોય છે જેમાં લાઇટિંગ, એક્સપોઝર, સ્ટાઇલિંગ અને પોસ્ટ-પ્રોસેસિંગના નિર્ણયો સામેલ હોય છે.
જો તમે તમારા ઘરેથી શક્ય તેટલા સૌથી વધુ પ્રોફેશનલ દેખાતા ફોટા લેવા માંગતા હો, તો તમે નીચેનામાંથી કેટલાક અથવા બધાં જ સાધનોનો ઉપયોગ કરવા માંગી શકો છો:
- યોગ્ય સ્થાન (બારીવાળો રૂમ)
- એક કૅમેરા
- એક ટ્રાઇપોડ
- ટેબલ
- સફેદ બૅકગ્રાઉન્ડ
- ટેપ
- ફોમ બોર્ડ અથવા કાગળમાંથી બનેલા સફેદ રિફ્લેક્ટર કાર્ડ્સ
1. સ્થાન પસંદ કરવું
જો તમે ફોટોગ્રાફીના નિષ્ણાત નથી અને તમારી પાસે ફોટોગ્રાફી માટેની લાઇટ્સ નથી, તો તમારે ફોટા લેવા માટે એવી રૂમની જરૂર છે જેમાં બારી હોય. ઇન્ડોર લાઇટ બલ્બ્સ અને કૅમેરામાં ઇન-બિલ્ટ ફ્લૅશ તમારા ફોટામાં હાર્શ કૉન્ટ્રાસ્ટ, પ્રકાશનું પરાવર્તન અને અનિચ્છનીય રંગ પરિવર્તનો સર્જી શકે છે.
વધુ સૉફ્ટ પ્રકાશની સાથે ઘેરા અને સૉફ્ટ પડછાયા બનાવવા માટે, તમે તમારા સેટઅપને બારીની વધુ નજીક રાખી શકો છો. તમે એકસમાન પ્રકાશ આપવા માટે તમારા સેટઅપને વધુ દૂર પણ રાખી શકો છો, પરંતુ તેનાથી પડછાયા વધુ શાર્પ અને આછા બનશે.
2. કૅમેરા પસંદ કરવો
તમારે તમારી પાસે ઉપલબ્ધ શ્રેષ્ઠ કૅમેરા વડે પ્રોડક્ટના ફોટા લેવા જોઈએ.
જોકે ઉચ્ચ ગુણવત્તાનો કૅમેરા ઉચ્ચ ગુણવત્તાની ઇમેજ બનાવી શકે છે, પરંતુ સારા પરિણામો મેળવવા માટે તમારે પ્રોફેશનલ સ્તરના સાધનોની જરૂર નથી. તમે વાજબી કિંમતના DSLR, પૉઇન્ટ ઍન્ડ શૂટ કૅમેરા અથવા તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકો છો.
3. ટ્રાઇપોડ પસંદ કરવું
તમને તમારા કૅમેરાને સ્થિર રાખવા માટે ટ્રાઇપોડની જરૂર પડી શકે છે. જ્યારે તમે મૅન્યુઅલ કૅમેરા સેટિંગ્સનો ઉપયોગ કરો છો, ત્યારે ટ્રાઇપોડ વધુ મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને ઓછા પ્રકાશવાળી સ્થિતિમાં.
ઉદાહરણ તરીકે, જો તમે ખૂબ મોટી બારી સામે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો કદાચ તમને ટ્રાઇપોડની જરૂર ન પડે, જોકે તે હજુ પણ સ્થિરતા માટે મદદરૂપ થઈ શકે છે.
જો તમે મૅન્યુઅલ DSLR નો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખૂબ જ નાના ઍપર્ચર અને ધીમી શટર સ્પીડનો ઉપયોગ કરવા માટે તમારે કૅમેરાને સ્થિર રાખવા ટ્રાઇપોડનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. જ્યારે તમે આ સેટિંગ્સનો ઉપયોગ કરો છો, ત્યારે તમે સૌથી વધુ ડેપ્થ ઑફ ફિલ્ડ મેળવતી વખતે સૌથી વધુ પ્રકાશ અંદર આવવા દો છો, પરંતુ તેનાથી કૅમેરા બ્લર થવાની શક્યતા ઊભી થાય છે.
4. તમારી સપાટી પસંદ કરવી
તમે તમારી પાસે હોય તેવા કોઈ પણ ટેબલનો ઉપયોગ કરી શકો છો, જેને બારી પાસે મૂકેલું હોય. પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે ટેબલની સારી પ્રમાણભૂત પહોળાઈ 24 થી 27 ઇંચની વચ્ચે હોવી જોઈએ.
5. સફેદ બૅકગ્રાઉન્ડ બનાવવું
વિઝ્યુઅલ ડિસ્ટ્રૅક્શન (ધ્યાન ભંગ કરતી વસ્તુઓ) દૂર કરીને ખાતરી કરો કે તમારી પ્રોડક્ટ્સ ફોટોગ્રાફનું મુખ્ય કેન્દ્ર છે. તમારી પ્રોડક્ટને શુદ્ધ સફેદ બૅકગ્રાઉન્ડ સામે રાખવાથી ખાતરી થાય છે કે તમારી પ્રોડક્ટ કેન્દ્રમાં છે.
તમારા બજેટના આધારે વિવિધ પ્રકારના બૅકગ્રાઉન્ડના વિકલ્પો હોય છે. સફેદ પોસ્ટર બોર્ડ માટે તમારા સ્થાનિક ડિપાર્ટમેન્ટ અથવા ઑફિસ સ્ટોર્સ તપાસો અથવા ઑનલાઇન જુઓ.
તમે વધુ પ્રોફેશનલ ફોટોગ્રાફી બૅકગ્રાઉન્ડ પણ ખરીદી શકો છો જેને સ્વીપ કહેવાય છે, જે રોલર પર કાગળનો રોલ છે. જો તમે ઘણી બધી પ્રોડક્ટ ફોટોગ્રાફી કરવા માગતા હોવ, તો સ્વીપ્સ ફાયદાકારક બની શકે છે કારણ કે જ્યારે વપરાયેલો ભાગ ગંદો થઈ જાય, ત્યારે તમે તેને કાપી શકો છો અને નવો કટકો નીચે લાવી શકો છો.
6. તમારા સેટને ટેપ વડે સુરક્ષિત કરવો
તમે કેવા પ્રકારના ટેબલનો ઉપયોગ કરી રહ્યાં છો તેના આધારે તમે તમારા બોર્ડ અથવા કાગળના સ્વીપને સુરક્ષિત રાખવા માટે ટેપ અથવા ક્લૅમ્પનો ઉપયોગ કરી શકો છો, જેથી તમારું બોર્ડ અથવા કાગળ 90 ડિગ્રીના ઢોળાવ પર યોગ્ય રીતે સ્વીપ થઈ શકે.
7. રિફ્લેક્ટર કાર્ડનો ઉપયોગ કરવો
જો તમે તમારા ફોટોગ્રાફમાં પ્રકાશ પર વધુ કંટ્રોલ રાખવા માગતા હોવ, તો તમે કાં તો પ્રકાશને રિફ્લેક્ટ કરવા માટે સફેદ ફોમ બોર્ડનો અથવા પ્રકાશને શોષવા માટે કાળા ફોમ બોર્ડનો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે કુદરતી પ્રકાશ વડે તમારી પ્રોડક્ટ પર લાઇટિંગ કરી રહ્યાં હોવ છો, ત્યારે જ્યાં પ્રકાશ પડે છે તે બાજુ તેજસ્વી હોય છે અને એક પડછાયાની બાજુ હોય છે. પડછાયાની બાજુ ક્યારેક ખૂબ જ ડાર્ક હોઈ શકે છે, તેથી તમે પડછાયાને વધુ બ્રાઇટ બનાવવા માટે પ્રકાશ પાછો ફેરવવા કંઈક સફેદ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
વૈકલ્પિક રીતે, પડછાયાને ઘેરા બનાવવા માટે તમે કાળા ફોમ બોર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે સફેદ બૅકગ્રાઉન્ડ પર સફેદ પ્રોડક્ટનો ફોટો પાડી રહ્યાં હોવ, તો આ મદદરૂપ થાય છે. સફેદ પ્રોડક્ટ પર ડાર્ક કિનારી બનાવવા માટે તમે ફોટાની બરાબર બહાર અને પ્રોડક્ટની પાછળ, બાજુઓ પર કાળું ફોમ બોર્ડ ઉમેરી શકો છો.
તમે ડિપાર્ટમેન્ટ અથવા આર્ટ સ્ટોરમાંથી ફોમ બોર્ડ્સ ખરીદી શકો છો. તમે માત્ર સફેદ પ્રિન્ટર પેપરની શીટને સંતુલિત પણ કરી શકો છો અથવા પોસ્ટર બોર્ડના ટુકડાનો ઉપયોગ પણ કરી શકો છો.
ફોટોગ્રાફી સેટિંગ્સ અને ટેક્નિક્સ
તમારો ફોટોગ્રાફી સેટ બનાવવા અને તમારા કૅમેરાનાં સેટિંગ્સ એડજસ્ટ કરવા માટે તમે લઈ શકો તેવા પગલાંઓની સૂચિ નીચે મુજબ છે:
- તમારું ટેબલ સેટઅપ કરવું
- તમારું સ્વીપ સેટઅપ કરવું
- તમારા કૅમેરાનાં સેટિંગ્સને એડજસ્ટ કરવાં
- તમારી પ્રોડક્ટને સેટઅપ કરવી
- તમારું રિફ્લેક્ટર કાર્ડ સેટઅપ કરવું
- ફોટો લેવો અને મૂલ્યાંકન કરવું
- તમારી ઇમેજ રિટચ કરવી
- તમારી વેબસાઇટ માટે ઇમેજ ઑપ્ટિમાઇઝ કરવી
1. તમારું ટેબલ સેટઅપ કરવું
બારીના પડછાયા વચ્ચે ન આવે તે રીતે તમારા ટેબલને શક્ય તેટલું બારીની નજીક રાખો. તમારા સેટઅપની જમણી કે ડાબી બાજુએ 90 ડિગ્રીના ઍંગલ પર બારી સાથે શરૂઆત કરો. ખાતરી કરો કે સીધો હાર્શ સૂર્યપ્રકાશ તમારા સેટ પર પડી રહ્યો નથી.
તમે સેટને ફેરવવાનો પ્રયાસ પણ કરી શકો છો જેથી કરીને બારી સેટના 45 ડિગ્રી ઍંગલ પર હોય અથવા કુદરતી લાઇટિંગની અલગ સ્ટાઇલ માટે સેટ પર સીધી બારી પડતી હોય એવો પ્રયાસ કરી શકો છો.
તમે જે રૂમમાં શૂટિંગ કરી રહ્યાં છો તે રૂમની અંદરની અન્ય તમામ લાઇટ્સ બંધ કરો, કારણ કે અન્ય લાઇટ સેટ પર અસર કરશે.
2. તમારું સ્વીપ સેટઅપ કરવું
જો તમને સીમલેસ સફેદ બૅકગ્રાઉન્ડ જોઈતું હોય, તો તમે તમારા સેટને સ્વીપ કરવા માગી શકો છો. પ્રોડક્ટ ફોટોગ્રાફીમાં, સ્વીપિંગનો અર્થ એ છે કે તમારા મૅટ બોર્ડ અથવા કાગળને તમારા ટેબલ પર ફ્લૅટ હોવાથી ઊભા હોવા સુધી વળાંક આવે તે રીતે સેટઅપ કરવું. તે આકાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે તમારે બોર્ડને રોલ કરવાની જરૂર પડી શકે છે.
એક ઉદાહરણ સેટઅપ એ છે કે દીવાલ સાથે ટેબલ મૂકવું અને દીવાલ અને ટેબલ પર સ્વીપ ટેપ ચોંટાડવી. જો તમારી પાસે દીવાલ ન હોય, તો તમે સ્વીપનો પાછળનો ભાગ સુરક્ષિત કરવા માટે કોઈ વ્યવસ્થા કરી શકો છો.
તમારી પ્રોડક્ટને સ્વીપના સપાટ ભાગ પર મધ્યમાં રાખો અને પાછળથી તમારું સફેદ રિફ્લેક્ટર કાર્ડ ઉમેરવા માટે પૂરતી જગ્યા છોડો.
3. તમારા કૅમેરાનાં સેટિંગ્સને એડજસ્ટ કરવાં
તમે તમારા કૅમેરા પર એક્સપોઝર સેટિંગ્સ એડજસ્ટ કરવાનું શરૂ કરો તે પહેલાં, ખાતરી કરો કે તમારો કૅમેરા નીચેના સેટિંગ્સ સાથે સેટઅપ થયેલો છે:
- તમારા વાઇટ બૅલેન્સ (WB) ને ઑટોમેટિક પર સેટ કરો.
- તમારું ફ્લૅશ સેટિંગ બંધ કરો.
- તમારા ઇમેજ સેટિંગ્સને ઉચ્ચતમ ગુણવત્તા પર સેટ કરો. મોટા માપ માટે L અને સુપરફાઇન ગુણવત્તા પસંદ કરો.
- તમારા ISO ને 100 પર સેટ કરો.
વિકલ્પ A: તમારા કૅમેરાને મૅન્યુઅલ (M) મોડ પર સેટ કરો
જ્યારે તમે મૅન્યુઅલ મોડમાં શૂટિંગ કરો છો, ત્યારે તમારી પાસે તમારી ફોટોગ્રાફી પર સૌથી વધુ કંટ્રોલ હોય છે. મૅન્યુઅલ મોડમાં, તમે તમારો f-સ્ટોપ અને શટર સ્પીડ બંનેને અલગથી સેટ કરી શકો છો.
પગલાં:
- તમારા f-સ્ટોપને સૌથી વધુ નંબર પર સેટ કરો, જે તમને સૌથી વધુ ડેપ્થ ઑફ ફિલ્ડ આપે છે.
- ઇમેજ પ્રિવ્યૂમાં ઇમેજ યોગ્ય રીતે એક્સપોઝ થાય તેટલી તેને બ્રાઇટ કરવા માટે તમારી શટર સ્પીડ એડજસ્ટ કરો.
વિકલ્પ B: અપર્ચર પ્રાયોરિટી (AV) મોડનો ઉપયોગ કરો
અપર્ચર પ્રાયોરિટી મોડમાં, તમે f-સ્ટોપ સેટ કરો છો, અને પછી કૅમેરો તમે પસંદ કરેલા f-સ્ટોપ સાથે કામ કરવા માટે શટર સ્પીડ એડજસ્ટ કરે છે.
પગલાં:
- f-સ્ટોપને સૌથી વધુ નંબર પર સેટ કરો.
- વૈકલ્પિક: જો કૅમેરાએ પસંદ કરેલી શટર સ્પીડ ખોટી લાગતી હોય, તો તમારે પ્રકાશ ઉમેરવા માટે એક્સપોઝર કમ્પેન્સેશન ડાયલનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.
વિકલ્પ C: ઑટો એક્સપોઝર
- જો તમારી પાસે એક્સપોઝર કમ્પેન્સેશન ડાયલ હોય, તો યોગ્ય એક્સપોઝર મેળવવા માટે તમારે +1 અથવા +1½ ઉમેરવાની જરૂર પડી શકે છે. જો તમારી પાસે પસંદગી માટે માત્ર પ્રીસેટ્સ હોય, તો Sunset (સનસેટ) જેવા ઓછા પ્રકાશવાળા પ્રીસેટને પસંદ કરવાનો પ્રયાસ કરો.
4. તમારી પ્રોડક્ટ સેટ કરવી
તમારા સેટમાં તમારી પ્રોડક્ટને યોગ્ય રીતે ગોઠવવામાં સમય કાઢો. પ્રોડક્ટની બધી મહત્વપૂર્ણ વિગતો દૃશ્યમાન છે તેની ખાતરી કરવા માટે કેટલાક ટેસ્ટ ફોટા લો. કૅમેરાના દૃષ્ટિકોણથી બધું બરાબર લાઇનમાં ગોઠવાય તે માટે તમારે ઘણી નાની હલનચલન કરવાની જરૂર પડી શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમારી પ્રોડક્ટ બૉટલ હોય, તો લેબલના પ્રકારને મધ્યમાં રાખવા પર ધ્યાન આપો.
5. તમારું રિફ્લેક્ટર કાર્ડ સેટ કરવું
જો તમે સફેદ રિફ્લેક્ટર કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે લાઇટિંગને કેવી રીતે બદલે છે તે જોવા માટે અલગ-અલગ ઍંગલ અજમાવી જુઓ. પ્રકાશ કાર્ડ પરથી પરાવર્તિત થાય છે અને પડછાયાઓ ઘટાડે છે.
6. ચિત્ર લેવું અને મૂલ્યાંકન કરવું
જ્યારે તમે પહેલા ચિત્રો લો, ત્યારે ઇમેજ જોવામાં સમય કાઢો. શું યોગ્ય રીતે કામ કરે છે, શું કામ કરતું નથી અને તેને વધુ સારું બનાવવા માટે તમે શું કરી શકો છો તેનો વિચાર કરો.
તમારા ગ્રાહકોને પ્રોડક્ટના વિવિધ દૃષ્ટિકોણો પ્રદાન કરવા માટે બહુવિધ ઍંગલથી ફોટા પાડો. કેટલાક ગ્રાહકોને ક્લોઝ-અપ ઇમેજ ગમી શકે છે અને અન્ય લોકો આઇટમને સીધી જોવા માંગતા હોય શકે છે.
અજમાવવા જેવા કેટલાક કૅમેરા ઍંગલ નીચે મુજબ છે:
- આઇ લેવલ, જે તમારી પ્રોડક્ટને એવી રીતે દર્શાવે છે જાણે તમે તેને સીધી જોતા હોવ.
- હાઇ ઍંગલ, જે તમારી પ્રોડક્ટને એવી રીતે દર્શાવે છે જાણે તમે તેને ઉપરથી નીચે જોતા હોવ.
- લો ઍંગલ, જે તમારી પ્રોડક્ટને એવી રીતે દર્શાવે છે જાણે તમે તેને નીચેથી ઉપર જોતા હોવ.
- બર્ડ્સ આઇ, જે તમારી પ્રોડક્ટને એવી રીતે દર્શાવે છે જાણે તમે તેની ઉપર ઉભા હોવ.
7. તમારી ઇમેજનું રિટચિંગ કરવું
જ્યારે તમારી પાસે એવી અંતિમ ઇમેજ હોય જેનાથી તમે ખુશ છો, ત્યારે તમે શુદ્ધ સફેદ બૅકગ્રાઉન્ડને હળવું કરવા જેવા સુધારાની જરૂર હોય તેવા કોઈપણ ભાગોને રિટચ કરવા માટે ફોટો એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો.
વિવિધ પ્રકારના રિટચિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ છે, અને તમારી કિંમતની શ્રેણીના આધારે, તમે તમારા માટે રિટચિંગ કરવા માટે કોઈ વ્યાવસાયિકને કામે રાખવાનું પસંદ કરી શકો છો. તમે Shopify App Store પર ઍપ્સ પણ શોધી શકો છો અથવા Shopify પાર્ટનરને કામે રાખી શકો છો.
ઇમેજનું બૅકગ્રાઉન્ડ બદલવા અથવા તેની લાઇટિંગ એડજસ્ટ કરવા માટે, તમે ફાઇલ એડિટરમાં મીડિયા જનરેશનનો ઉપયોગ કરી શકો છો.
8. તમારી વેબસાઇટ માટે ઇમેજને ઑપ્ટિમાઇઝ અને રિસાઇઝ કરવી
તમે તમારા ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોટા લેવા અને તેને વેબ માટે ઑપ્ટિમાઇઝ કરવા અને રિસાઇઝ કરવા માટે ઇમેજ એડિટિંગ ટૂલનો ઉપયોગ કરી શકો છો. મોટી ઇમેજના કારણે પેજના લોડિંગ સમયમાં વધારો થઈ શકે છે. 200 KB કરતાં મોટી ન હોય તેવી ઇમેજ સાઇઝનું લક્ષ્ય રાખવું સારું છે, જેમાં નાની સાઇઝ વધુ સારી છે.
વેબ માટે તમારી ઇમેજને ઑપ્ટિમાઇઝ કરવા માટે તમે ઉપયોગ કરી શકો તેવા વિવિધ ટૂલ્સ અને સૉફ્ટવેર ઑનલાઇન ઉપલબ્ધ છે. તમે Shopify App Store પરથી ઍપનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમારી મદદ માટે Shopify પાર્ટનરને કામે રાખી શકો છો.